અંજાર મામલતદાર કચેરીમાં અરજદારે કલાર્કને કરી લાફાવાળી

મહિલા કલાર્કે ફરજ રૂકાવટ સહિત મારમાર્યા સબબ અંજાર પોલીસ મથકે નોંધાવી ફરિયાદ

અંજાર : અહીંની મામલતદાર કચેરીમાં આજે દાખલો કઢાવવા આવેલા મહિલા અરજદારે મહિલા કલાર્કને લાફો ઝીંકી દેતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ અરજદાર હેતલબેન પરસોત્તમભાઈ બાંભણિયા આજે અંજાર મામલતદાર કચેરીમાં કોઈ પણ પ્રકારનો દાખલો કઢાવવા માટે આવ્યા હતા. કલાર્કની ટેબલ પરથી દાખલ કાઢયાની કામગીરી પૂર્ણ થયા બાદ મહિલા કલાર્ક નેહલબેન પરમારે તેમણે કહ્યું હતુ કે, આ દાખલામાં મામલતદારની સહીં કરવવી પડશે હું કરાવી આવું છું ત્યાં સુધી બેસો તેવું કહીને નેહલબેન મામલતદારની ચેમ્બરમાં ગયા હતા દરમ્યાન તેમની પાછળ જ અરજદાર હેતલબેન બાંભણિયા દોડી ગયા હતા. અને મામલદારની ચેમ્બરના દરવાજા પર જ મહિલા કલાર્કને અરજદારે ધક્કો આપીને ચેમ્બરમાં ઘુસી ગયા હતા, ત્યારે કલાર્ક એવા નેહલબેને તેમને સમજાવવા માટે પ્રયાસ કરતાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને હેતલબેન બાંભણિયાએ કલાર્કને લાફો ઝીંકી દિધો હતો. સમગ્ર ઘટના પોલીસ મથકે પહોંચતા અંજાર પોલીસે ફરિયાદી નેહલબેન પરમારની ફરિયાદને આધારે હેતલબેન વિરૂદ્ધ ફરજમાં રૂકાવટ સહિત મારામારી સબબ ગુનો નોંધ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.