હોટલ પર કન્ટેનર પાર્ક હતું ત્યારે ટુકડીએ પહોંચીને ચાલકને દબોચી લીધો ઃ માલ મોકલનારનું નામ ખુલ્યું : મંગાવનાર અને પાયલોટીંગ કરનાર વ્યક્તિઓ ‘અદૃશ્ય’
\અંજાર ઃ ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટુકડીએ ફરી એક વખત કચ્છમાં દરોડો પાડીને લાખો રૂપિયાનો શરાબ ઝડપી પાડતા સ્થાનિક પોલીસની નિષ્ક્રીયતા વધુ એક વખત સામે આવી છે. અગાઉ પણ અંજાર પોલીસની હદમાં એસએમસીએ ગણનાપાત્ર કેસ કર્યા છે ત્યારે વધુ એક વખત થયેલી કાર્યવાહીથી અંજાર પોલીસના કયા સ્ટાફ પર કાર્યવાહીની ગાજ વરસે છે તે જાેવું રહ્યું. અગાઉ ભચાઉમાં મામાનો શરાબ પકડાતા પીઆઈ-પીએસઆઈનો ભોગ લેવાઈ ગયો હતો.
જાણવા મળતી વિગતો મુજબ એસએમસીને બાતમી મળી હતી કે, ટ્રક નં.આરજે૧૪-જીઈ-૧૦૪પ નંબરની ટાટા કંપનીની ટ્રકમાં પંજાબ જલંધર બાજુથી ગેરકાયદે રીતે વિદેશી દારૂ ભરીને લાવી કચ્છમાં ગાંધીધામ-મુન્દ્રા વચ્ચે રસ્તામાં કટીંગ કરવામાં આવશે તેવી બાતમી મળી હોઈ ટીમ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ગાધીધામ-મુન્દ્રા હાઈવે રોડ પર અંજારના બાયપાસ પાસે યાદવ આહિર આઈ માતા ધાબાની પાર્કિંગમાં કન્ટેનર જાેવા મળ્યું હતું. જેથી પોલીસ સ્ટાફના માણસો અલગ અલગ સ્થળોએ ગોઠવાઈ ગયા અને માલ કટીંગ કરવાની રાહ જાેતા હતા ત્યારે ડ્રાઈવર મુળ રાજસ્થાનના રૂઘારામ નાનગારામ જાખડને પકડી પુછપરછ કરતા તેણે વાહનમાં દારૂ હોવાની કબૂલાત આપી હતી. તેણે જણાવ્યું કે, આ કન્ટેનર તેના શેઠનું છે, પરંતુ શેઠે તેના નામે કરી આપ્યું છે. આ દારૂ હરિયાણાના રાજુરામ જાટ નામના શખ્સે પંજાબના જલંધરના હાઈવે પર બોલાવી ભરી આપ્યો હતો. ગાંધીધામ-મુન્દ્રા વચ્ચે માલ ખાલી થયા બાદ ૭૦ હજાર રૂપિયા મળવાના હતા. ડ્રાઈવરે દારૂ ભર્યો ત્યારે તેને કહેવામાં આવ્યું કે, તને કચ્છમાં જવાનું છે. કચ્છમાં પ્રવેશ્યા બાદ પાયલોટીંગ ગાડી મારફતે તે ગાંધીધામ-મુન્દ્રા રોડ પર આવ્યો અને સતત વોટ્સઅપ કોલથી ક્યાં જવાનું છે તેના સંપર્કમાં હતો. આરોપીએ ફોન કરીને કહ્યું હતું કે, હોટલ પર ગાડી રાખી દે રોડ પર જગ્યા મળ્યા બાદ હું કહું ત્યાં ટ્રક લઈને આવજે. જેથી કન્ટેનર વાહન પાર્ક કર્યું ત્યાં એસએમસીની રેડમાં માલ પકડાઈ ગયો હતો. તપાસ કરતા ગાડીમાંથી દારૂની નાની-મોટી અલગ અલગ બ્રાન્ડની બોટલો અને બિયરના ટીન નંગ. ૩૦,૯૬૭ કિંમત રૂા.૩૯,૭૬,૭૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. ૧૦ લાખની ગાડી અને અન્ય દસ્તાવેજાે મળી કુલ રૂા.૪૯,૮૧,૮૩૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ચાલકની અટકાયત થઈ છે, પરંતુ માલભરી આપનાર રાજુરામ જાટ તેમજ કન્ટેનરનું પાયલોટીંગ કરનાર અને પ્રોહિબિશન મુદ્દામાલ મંગાવનાર હાથ લાગ્યા નથી જેઓ સામે અંજાર પોલીસ ગુનો દાખલ કરવામાં આવતા તપાસ એસઓજી પીઆઈ એસ.એન.ગડુને સોંપાઈ છે.
———–