અંજાર ગ્રામ્ય-શહેરી વિસ્તારમાં સતત બીજા દિવસે વિજિલન્સ ત્રાટકી

૩૦ ટીમો સુરક્ષા બંદોબસ્ત સાથે ઉતરી મેદાને : વીજચોરોને સાણસામાં લેવા ઘડાયું આયોજન : અંજાર રૂરલ-૧ અને રમાંથી ગઈકાલે ૮.૧૪ લાખની વીજચોરી ઝડપી સપાટો બોલાવ્યો હતો

 

ભુજ : પીજીવીસીએલ વિજિલન્સ દ્વારા અંજાર સર્કલમાં ચાલી રહેલી વીજ ચેકીંગ કામગીરીના પગલે વીજચોરોમાં ફફડાટ જાવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલ બાદ આજે સતત બીજા દિવસે અંજાર ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં વિજિલન્સે ધામા નાખી સપાટો બોલાવ્યો હતો. ચેકીંગ ટીમની કામગીરીના પગલે અનેક વીજચોરો સાણસામાં આવ્યા હતા. પશ્ચિમ કચ્છમાં વિજિલન્સની ટીમે સપાટો બોલાવ્યા બાદ ચાલુ સપ્તાહના પ્રારંભથી પૂર્વ કચ્છમાં ચેકીંગ ટીમોએ ધામા નાખ્યા છે. ત્યારે આજે સતત બીજા દિવસે અંજાર ડિવીઝનના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વિજિલન્સની ૩૦ ટીમો ત્રાટકી હતી. તો ગઈકાલે અંજાર રૂરલ-૧ અને અંજાર રૂરલ-ર માં ૩૦ ટીમોએ પર૧ કનેકશનોની તપાસ કરી હતી. જેમાંથી ૮૪ કનેકશનોમાં ગેરરીતિ ઝડપાતા ૮.૧૪ લાખનો દંડ ફટકારાયો હતો.