અંજાર ગ્રામ્ય પર વિજિલન્સનું રડાર કેન્દ્રીત

૩૦ ટીમોએ હાથ ધરી ચેકીંગ કામગીરી : ગત રોજ ભચાઉ-સામખિયાળીમાંથી ઝડપાઈ હતી ૧૦.૩૩ લાખની વીજચોરી

 

ભુજ : શહેરોની તુલનાએ ગ્રામ્ય વિસ્તારોમાં વીજચોરીનું પ્રમાણ ખુબજ ઉંચુ છે. જેના લીધે હાલે જિલ્લામાં ચાલી રહેલી વીજ ચેકીંગની કામગીરી દરમ્યાન ગ્રામ્ય વિસ્તારો પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. ત્યારે પાછલા બે દિવસથી અંજાર સર્કલના વિવિધ ડિવીઝનોમાં ચાલી રહેલી વીજ ચેકીંગની કામગીરી આજે અંજાર ગ્રામ્ય વિસ્તારોમાં આરંભાઈ હતી. વિજિલન્સની ૩૦ ટીમો અંજાર ગ્રામ્ય વિસ્તારમાં ઉતરી હતી ત્યારે સાંજે ખુબજ મોટો વીજચોરીનો આંક બહાર આવે તેવી શકયતા છે. પીજીવીસીએલ વિજિલન્સની ટીમોએ ગત સપ્તાહે ભુજ સર્કલમાં સપાટો બોલાવ્યા બાદ પાછલા બે દિવસથી અંજાર સર્કલમાં ધામા નાખ્યા છે. પ્રથમ દિવસે રાપર તેમજ ગઈકાલે ભચાઉમાં સપાટો બોલાવ્યા બાદ આજે અંજાર ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી ૩૦ ટીમોએ ચેકીંગ કામગીરી હાથ ધરી હતી. તો ગઈકાલે ભચાઉ-સામખિયાળી વિસ્તારમાં કરાયેલ કામગીરીમાં પ૭પ કનેકશનોની તપાસ કરાઈ હતી. જેમાંથી ૯પ કનેકશનોમાં ગેરરીતિ ઝડપાતા ૧૦.૩૩ લાખનો દંડ ફટકારાયો હતો.