અંજાર-ગાંધીધામમાં અસામાજિક તત્ત્વોને હદપાર કરવા પોલીસને અપાઈ સૂચના

સંકલનની બેઠકમાં અવરોધરૂપ વીજ થાંભલા દૂર કરવા : ગાંધીધામ શિવ શક્તિ ઈમારતને તોડી પાડવા તાકીદ

અંજાર : અહીં પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટર ડૉ.વી.કે. જોષીના અધ્યક્ષ સ્થાને અંજાર સબડિવિઝનની કાયદો – વ્યવસ્થા,ટ્રાફિક સલાહકાર સમિતિ તેમજ સંકલન સમીતી અને ફરિયાદ નિવારણ સમિતિ અને એટીવીટી ની મીટીંગ યોજવામાં આવી હતી, જેમાં અંજાર અને ગાંધીધામ તાલુકાના તમામ અધિકારીઓ અને જનપ્રતિનિધિ હાજર રહ્યા હતા.
આ સંકલનની બેઠકમાં વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા થઈ હતી જેમાં અંજાર અને ગાંધીધામ તાલુકાની હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવેલ છે તેના માટે વીજ પુરવઠાની અલાયદી વ્યવસ્થા કરવા પીજીવિસીએલને સૂચના આપવામાં આવી હતી. તેમજ એસડીએચ અંજાર ખાતે આવેલ ઓક્સિજન પ્લાન્ટના લોડની કેપિસિટી ચેક કરવા પીજીવીસીએલ સૂચના આપવામાં આવી હતી. બંને તાલુકાના જે ગામમાં રસીકરણનો કાર્યક્રમ હોય તેના આગળના દિવસે સંબંધિત ગામ લોકોને જાણ કરવા તાલુકા હેલ્થ ઓફીસરને તાકીદ કરાઈ હતી.તાલુકા વિકાસ અધિકારી તરફથી સરકારની પાવન ગામ યોજના હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં જે ગામમાં ફોજદારી ગુના નોંધાયેલ ન હોય તેવાં ગામોની તેમજ તીર્થગામ યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં કોઈ ફોજદારી ગુનો નોંધાયેલના હોય તેવાં ગામોની માહિતી મોકલી આપવા પોલીસને અનુરોધ કરાયો હતો, નાગલપુર – સિનુગ્રા રોડ પર ખાડા પુરવા, ગળપાદર હાઈવેની બાજુમાં આવેલ ગાયત્રી સોસાયટીમાં ભરાતા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા, ચૂડવા ગામે મંજુર થયેલ ફીડરવાળી જમીન પરનું દબાણ દૂર કરવા, કિડાણા ગામની ઝાડી વિસ્તારમાં અવાર નવાર ગુનાઓ બનતા હોવાથી કાયદો વ્યવસ્થા જાળવવા, ગાંધીધામમાં જર્જરિત હાલતમાં આવેલ શિવ શક્તિ ઇમારતને દૂર કરવી, અંજાર શહેરના ગાયત્રી ચોકડીથી મેઘપર બોરીચી વાળા રસ્તા ઉપર મોટા વાહનો પસાર થતા હોવાથી બમ્પ બનાવવો, બંને તાલુકામાં રસ્તા પર અવરોધ રૂપી વીજળીના થાંભલા દૂર કરવા તેમજ નવા થાંભલા નાખતી વખતે રસ્તા પહોળા કરી ત્યારબાદ નાખવા માટે પીજીવીસીએલને સૂચના આપવામાં આવી હતી. તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે અસામાજીક તત્વોને હદપાર કરવા માટે દરખાસ્ત તૈયાર કરી મોકલી આપવા તમામ પોલીસ મથકોના ઈન્ચાર્જને પ્રાંત દ્વારા સૂચના અપાઈ હતી. મેઘપર બોરીથી ગામે ભરાતા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા, ધમડકા ગામે નર્મદા કેનાલના કામમાં ઉભો થયેલો અવરોધ દૂર કરવા પણ જણાવાયું હતું.