અંજાર-ગાંધીધામના વેપારીઓને ઠગનાર ત્રિપુટીની ધરપકડ

ધુતારાઓ વેપારીઓ પાસેથી ખરીદી કરી ચેક આપી કરતા હતા ઠગાઈ : પોલીસ દ્વારા નવા કાયદાઓ અને પાસા સહિતની કડક કાર્યવાહી કરાય તેવી ઉઠતી માંગ : ઝડપાયેલી ત્રિપુટીએ અનેક વેપારીઓને ઉતાર્યા શીશામાં

(ક્રાઈમ પ્રતિનિધિ)ગાંધીધામ : અંજાર અને ગાંધીધામના જુદા જુદા વિસ્તારમાં વેપારીઓ પાસેથી ચીજવસ્તુઓ મેળવી તેની અવેજમાં ચેક આપી છેતરપિંડી કરતી ત્રણ શખ્સોની ટોળકીને પૂર્વ કચ્છ એલસીબી અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ ટીમે પકડી પાડી હતી. આ ત્રિપુટીએ અનેક વેપારીઓને શીશામાં ઉતારતા તેમની સામે કડક કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠવા પામી છે. પોલીસે પકડેલી આ ઠગ ટોળકીએ ગાંધીધામની મુખ્ય બજારમાં ઈલેકટ્રોનિકના વેપારી પાસેથી ૩૦ પંખા મેળવી રૂા.૩૯ હજારનો ચેક આપ્યો હતો. તેમજ અંજાર નગરપાલિકાની સામે મિસ્ત્રી કેમ્પમાં આવેલી પરમાર ઈલેક્ટ્રીકલ્સ નામના દુકાનના માલિક તથા ટોપઅપ માર્કેટિંગવાળા દુકાન મકાન પાસેથી ૩૦ પંખાની અવેજમાં પર હજારનો ચેક આપ્યો હતો. ગાંધીધામ સુધરાઈ પાસે આવેલી રોયલ રેડીએટર્સ સેલ્સ એન્ડ સર્વિસમાંથી પણ આ જ પ્રકારણે રૂા.૩૪,૮૦૦ના માલસામાનની ખરીદી કરી હતી. આ તમામ સ્થળોએ આરોપીએ ચેક આપી નાણા ન આપી ઠગાઈ કરી હતી. ત્યારે આ ઠગ ટોળકી પકડાય તેવી વેપારીઓની માંગ હતી જે અનુસંધાને પૂર્વ કચ્છ ગુના શોધક શાખા અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ ટીમે છેતરપિંડી કરનારા આદિપુરના આરોપી અમર કેશવલાલ મીરાણી (ઠક્કર), ઉમેશ શીતલદાસ લાલવાણી, વિનોદ હરિરામ દુબેની ધરપકડ કરી હતી. આ આરોપીઓ વેપારીઓ સાથે જુદી જુદી વાતો કરી તેની પાસેથી ખરીદી કરી ચૂકવાની થતી રકમના ચેક બેંકમાં જમા કરાવતા ત્યારે તે બાઉન્સ થતા અને બેંકનું ખાતું પણ ઘણા સમયથી નિષ્ક્રિય પડ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ધુતારાઓ પાસેથી મુદ્દામાલ પરત મેળવવાની દિશામાં તજવીજ ચાલુમાં હોવાનું પોલીસે ઉમેર્યું હતું. હાલમાં આ જ પ્રકારની છેતરપિંડીનો કોઈ શિકાર થયો હોય તો તેવા અન્ય વેપારીઓએ ફરિયાદ નોંધવવા આગળ આવે તેવો અનુરોધ પોલીસ અધિકારીઓએ કર્યો હતો. આ કામગીરીમાં પૂર્વ કચ્છ પોલીસ વડા મયૂર પાટિલના માર્ગદર્શન તળે એલસીબીના એસએસઆઈ તથા ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ ડી.એમ. ઝાલાની સૂચનાથી સ્ટાફગણ જોડાયો હતો. ઉલ્લેખનીય છે કે, આ ઠગ ટોળકીએ અનેક નિર્દોશ વેપારીઓને ચૂનો ચોપડીને મહેનતની કમાઈ લૂંટી લીધી છે ત્યારે પોલીસ દ્વારા આરોપીઓ સામે નવા કાયદા હેઠળ કડક કાર્યવાહી કરાય. જરૂર જણાય તો આરોપીઓ સામે પાસા સહિતની કાર્યવાહી કરીને કડક પગલાં ભરવામાં આવે તો અન્ય વેપારીઓ સાથે થતી આવી ચિટિંગ અટકાવી શકાય.