અંજાર-ગળપાદર માર્ગે યુવતી લૂંટાઈ

યુવતી પાસેથી મોબાઈલની લૂંટ ચલાવી બીભત્સ માંગણી કરી ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી ૩૦ હજાર કઢાવી લેવાની કોશિષ કરતા બે શખ્સો સામે ફોજદારી : પોલીસે શરૂ કરી છાનભીન

અંજાર : તાલુકાના મેઘપર બોરીચીમાં રહેતી અને ખાનગી નોકરી કરતી યુવતી પાસેથી મોબાઈલ ફોનની લૂંટ કરી યુવતીના ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી બીભત્સ માંગણી કરી યુવતી પાસેથી ૩૦ હજાર રૂપિયા બળજબરીપૂર્વક કઢાવી લેવાનો પ્રયાસ કરતા બે શખ્સો સામે ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ પ્રાચીબેન પવનભાઈ શર્મા (ઉ.વ.ર૧) (રહે. ભાગ્યશ્રી સોસાયટી મેઘપર બોરીચી તા. અંજાર)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે, તેણી પ્રાઈવેટ નોકરી કરે છે. ગત તા. ૮-૩-૧૮ના રાત્રીના નવ વાગ્યે તેણી અંજાર – ગળપાદર હાઈવે ઉપરથી પસાર થતી હતી ત્યારે મોટર સાયકલ આર. ૧પ જેની પાછળ પી.ડી. લખેલ હતું પરંતુ તેનો ચાલક કરણ ઉર્ફે પ્રદીપ જેનો પિતા કંડલામાં નોકરી કરે છે તે તથા એક અન્ય ઈસમ બન્ને જણાએ તેણીના મોબાઈલની લૂંટ કરી હતી અને મોબાઈલમાં રહેલા તેણીના અંગત ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેણી પાસે બિભત્સ માંગણીઓ કરેલ તેમજ રૂપિયા ૩૦ હજાર કઢાવી લેવા માટેની કોશિષ કરી ગાળો આપતા હોઈ તેનાથી કંટાળી પોલીસના દ્વાર ખખડાવતા પોલીસે બન્ને શખ્સો સામે આઈપીસી કલમ ૩૯ર, ૩પ૪ (અ) (૧) (ર), ૩૮પ, પ૦૪, પ૦૭, ૧૧૪ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા માટે પીએસઆઈ એમ. બી. શેરગીએ ચક્રો ગતિમાન કરેલ છે.