અંજારમાં ૧.૭ર લાખનો શરાબ ઝડપાયો

અંજાર નાયબ પોલીસ અધિક્ષકના સ્પેશિયલ સ્કવોર્ડને મળેલ સફળતા : ભચાઉ તરફથી આવતી બોલેરોમાં સવાર બે ભાઈઓ પોલીસને જોઈ નાસી છુટ્યા : ૪.૭૧ લાખનો મુદ્દામાલ કરાયો હસ્તગત

 

સ્પેશયલ સ્કવોર્ડ ત્રાટકે છે તો સ્થાનિક પોલીસ કેમ નહી?અમે તો ટોપ-ટુ બોટમ હપ્તા આપીએ છીએ.. કહેનારાઓનો ‘દારૂ’ કેમ ઝડપાઈ ગયો..?

સેકસનથી ધંધો કરવાની શેખી મારનારા કેવી રીતે આવી ગયા સાણસામાં?ઃ સંભવત ઝડપાયેલો દારૂનો જથ્થો તો છે પાશેરામાં પુણી સમાન

જાફર-ગઢ્ઢાના ઠેર-ઠેર અડ્ડાઓ ધમધમતા હોવાની છે ચકચાર : જો તપાસ કરાય તો ભચાઉથી માલના થતા કટીંગ સહિતના ખુલાસાઓ થવાની વકી

ગાંધીધામ : અંજારમાથી નાયબ પોલીસ અધિક્ષકની ટુકડી દ્વારા પોણા બે લાખનો દારૂનો જથ્થો પકડી લીધો છે. અહી જથ્થો પકડાયો છે પરંતુ અહીના કુખ્યાત અને ખુલ્લેઆમ દારૂના હાટડા ધમધમતા બે બુટલેઘરો હાથ હજુ સુધી ન લાગયા હોવાની વાત સામે આવી રહી છે. ત્યારે અહી જાણકારોમાં તો એ જ સવાલ થઈ રહ્ય છે કે, અમે તો ટોપથી બોટમ સુધી બધાને તગડો અને ભાંગ્યો સેકસન-હપ્તો આપીએ છીએ અમારો તો કોઈ વાળ પણ વાંકો કરી શકે તેમ નથી આવી શેખી મારનારા જાફર અને ગઢ્ઢાના દારૂના જથ્થા પર તો પછી કેમ દરોડો પડી ગયો? એ ઉપરાંત અહી સવાલ એ પણ થઈ રહ્યો છે કે, ડીવાયએસપીની સ્પેશ્યલ સ્કવોર્ડ અહી ત્રાટકી શકે છે તો પછી સ્થાનિક પોલીસને કેમ આ બુટલેઘરોની ગંધ સુદ્ધા આવતી નથી? કહેવાય છે કે, આ શખ્સોને ઝડપી અને જીણવટપૂર્વકની તપાસ રીમાન્ડ દરમ્યાન કરાય તો ભચાઉથી માલના કટીંગ થતા હાવા ઉપરાંત અનેકવિધ કડકાભડાકા થઈ શકે તેવી વકી પણ સેવાઈ રહી છે.

 

અંજાર : શહેરના વરસામેડી ફાટક પાસેથી પોલીસે પૂર્વ બાતમી આધારે ૧,૭૧,૯૦૦નો શરાબ ભરેલ બોલેરો જીપકાર ઝડપી પાડી હતી. રેઈડ દરમ્યાન બે આરોપીઓ નાસી છુટ્યા હતા.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર અંજાર વિભાગના નાયબ પોલીસ અધક્ષિક ડી.એસ. વાઘેલાને મળેલ બાતમી આધારે ડીવાયએસપી અંજારના સ્પેશિયલ સ્કવોર્ડની ટીમના પીએસઆઈ જી.બી. માજીરાણા તથા સ્ટાફના બલભદ્રસિંહ જાડેજા સહિતનો સ્ટાફ વોંચમાં હતો ત્યારે વરસામેડી ફાટક પાસેથી બાતમી વાળી બોલેરો પોલીસ ટુકડીને જોઈ નાસી છુટેલ તેનો પીછો કરતા માર્કેટીંગ યાર્ડ પાસે બોલેરોમાં સવાર જાફરશા ઉર્ફે જાફર કાસમશા શેખ તથા તેના ભાઈ ગઢો શેખ (રહે. બન્ને અંજાર) બોલેરો મૂકી નાસી છુટ્યા હતા. બોલેરોની તલાસી લેતા તેમાંથી ૭પ૦ એમએલની ઈગ્લીશ દારૂની બોટલો નંગ ૪૦૮ કિં.રૂા.૧,૪ર,૮૦૦ તથા ૧૮૦ એમએલના કવાર્ટરીયા નંગ ર૯૧ કિં.રૂા. ર૯,૧૦૦ એમ કુલ્લ ૧,૭૧,૯૦૦નો જથ્થો મળી આવતા ૩ લાખની ગાડી સહિત ૪,૭૧,૯૦૦નો મુદ્દામાલ જપ્ત કરી નાસી છુટેલા બન્ને આરોપીઓ સામે પોલીસ કોન્સટેબલ બલભદ્રસિંહ જાડેજાએ અંજાર પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી.