અંજારમાં વેપારીઓ સાથે ૯.ર૮ લાખની ઠગાઈ

મચ્છીપીઠ વિસ્તારમાં આવેલી દુકાનોમાંથી સોના – ચાંદીના દાગીના – રોકડ તથા ઈલેકટ્રોનિક સાધનોની ખરીદી કર્યા બાદ રૂપિયા નહીં આપતા આઠ શખ્સો સામે નોંધાઈ ફોજદારી

 

અંજાર : શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં આવેલી સોના – ચાંદીની દુકાન તથા ફર્નિચરની દુકાનોમાંથી દાગીના તથા ફર્નિચરની ખરીદી કરી નાણા નહીં આપી ૯,ર૮,૩૦૦/-ની છેતરપીંડી કરતા આઠ શખ્સો સામે વિશ્વાસઘાત ઠગાઈનો ગુનો નોંધાવા પામ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ તેમજ હર્ષદભાઈ કેશવલાલ ગોહિલ (સોની) (ઉ.વ.૩૮) (રહે. સ્વામીનારાયણનગર, મકાન નંબર ર૦૪, અંજાર)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે, તેઓ મચ્છીપીઠ વિસ્તારમાં સોના – ચાંદીની દુકાન ધરાવે છે અને દાગીનાનો વેપાર કરે છે. વિશ્વાસઘાત છેતરપીંડીનો બનાવ ર-૮-૧૮ થી અલગ અલગ તારીખ અને સમયે બનવા પામ્યો હતો. સ્વામીનારાયણનગર અંજાર રહેતા ભરતપુરી રામપુરી ગુસાઈ, અંકિતાબેન ભરતપુરી ગુસાઈ, જશોદાબેન હિતેશપુરી ઉર્ફે હરમતપુરી ગોસ્વામી, સોનુબેન રામપુરી ગોસ્વામી, હિતેશપુરી ઉર્ફે હરમતપુરી ગોસ્વામી, સંતોષપુરી રામપુરી ગોસ્વામી, ગણેશપુરી રામપુરી ગોસ્વામી તથા રાહુલ જાટે તેઓ તથા અન્ય દુકાનદાર ભગુ સામજી આહિર અને પ્રવિણ કરશન મેરીયાને લોભ લાલચ આપી કાવતરૂં રચી વિશ્વાસમાં લઈ તેઓ પાસેથી સોનાના અલગ અલગ દાગીના વજન ૧.ર૭, ર.૪૦ ગ્રામ જેની કિંમત રૂા. ૩.૮૮ લાખ તેમજ ચાંદીના દાગીના વજન ૩પર ગ્રામ કિંમત રૂા. ૧૪,૦૦૦/- તથા ફેન્સી સોનાની વસ્તુઓ કિંમત રૂા. ૧૮,૦૦૦/-ની ખરીદી કરીને તેઓને રોકડા રૂપિયા ૩૦૦૦/- આપ્યા હતા. બાકીના ૪,૧૭,૮૦૦/- પાછળથી આપવાનું કહ્યું હતું. તેજ રીતે સાહેદ ભગુભાઈ આહિર પાસેથી રોકડા રૂા. ૩.૬૦ લાખ લઈ અને સાહેદ પ્રવિણ કરશન મેરીયાની ઈલેકટ્રોનિક દુકાનમાંથી ઘરઘંટી, ઈનવેટર, હોમ થિયેટર, એલઈડી, વોશીંગ મશીન, એરકુલર, ફ્રીઝ, એસી વિગેરે ઈલેકટ્રોનિક આઈટમો કિંમત રૂા. ૧,પ૦,પ૦૦/-ની ખરીદી કરી તેઓને પણ પાછળથી રૂપિયા આપીશું તેવું કહી ત્રણેય વેપારીના કુલ્લ ૯,ર૮,૩૦૦/- નહીં આપી વિશ્વાસઘાત છેતરપીંડી કરી નાસી જતા અંજાર પોલીસે આરોપીઓ સામે આઈપીસી કલમ ૪૦૬, ૪ર૦, ૧ર૦ બી હેઠળ ગુનો નોંધી નાસી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા પીએસઆઈ બી. ડી. જીલડીયાએ ચક્રો ગતિમાન કરેલાનું પીએસઓ અશોકસિંહ સોલંકીએ જણાવ્યું હતું.