અંજારમાં વિવિધ સુવિધાઓ સાથેની સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ પુનઃ સાકાર થશે

દોઢ કરોડના ખર્ચે બંધાનારી નવી ઈમારનું ખાતમુહૂર્ત કરતા રાજયમંત્રી : આરોગ્યકર્મીઓનું કરાયું ખાસ સન્માન : રાજય સરકાર દ્વારા અંજારની હોસ્પિટલના વિકાસકાર્યો માટે રૂા. ૧૨ કરોડ મંજૂર કરાયા

અંજાર : આરોગ્ય કર્મીઓ સેવાની ઉદાત ભાવના સાથે કચ્છના એવા દુર્ગમ વિસ્તારોના ગામડાંઓમાં નોકરીનું કામ કરે છે, જે વિસ્તારનું નામ સાંભળતા ટાઢ પડે ત્યાં રહીને તેઓ રાત-દિવસ જનતાની સેવા કરવાની ફરજ બજાવે છે, તે ખરેખર પ્રસંશાને પાત્ર છે, તેમને સન્માનતા મને વિશેષ આનંદની લાગણી થાય છે, તેમ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે પૂર્વ કચ્છના વડા મથક ઐતિહાસિક અંજાર શહેરની સબ-ડિસ્ટ્રીકટ હોસ્પિટલના ખાતમુહુર્ત પ્રસંગે જણાવ્યું હતું.અંજારની રેફરલ હોસ્પિટલ ખાતે રાજય સરકાર દ્વારા મંજૂર થયેલા સામુહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડીંગનું રાજયના સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજયમંત્રી વાસણભાઈ આહીરે ખાતમુહૂર્ત કરીને પ્રશસ્ય કામગીરી બદલ આરોગ્ય કર્મીઓનું સન્માન કર્યું હતું. અંજારની નવી બનનારી સબ-ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં આઇસીયુ રૂમ, મલ્ટીપર્પઝ હોલ, વહિવટી બિલ્ડીંગ, પ્રસૂતિરૂમ, બર્ન્સરૂમ, ફાર્મસીરૂમ સહિતનું બાંધકામ હાથ ધરાશે.
વાસણભાઇ આહિરે વધુમાં જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા હોસ્પિટલના વિકાસ માટે રૂા.૧૨ કરોડ મંજૂર કરાયા છે. અંજાર શહેરની સબ જનરલ હોસ્પિટલ ભૂતકાળમાં પણ પૂર્વ કચ્છના વડા મથકે કાર્યરત હતી, પરંતુ ૨૦૦૧માં ભૂકંપ આવ્યો ત્યારે તેના બાંધકામમાં થોડીક સુવિધાનો ઘટાડો થયો હતો. હવે પુનઃ પૂર્વ કચ્છના વડામથકે રૂ. દોઢ કરોડના ખર્ચે હોસ્પિટલની નવી ઈમારત બનતા અંજારની જનતાની આરોગ્ય સુવિધા વધારવાની લાગણી-માંગણી પૂર્ણ થશે.જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં માતા-બાળમરણ સમાજનું કલંક છે અને તેને ઘટાડી શકાય તેમ હોઇ આરોગ્ય કર્મીઓને સંકલ્પ સાથે કાર્ય કરવાનું આહ્વાન કર્યું હતું અને દુર્ગમ વિસ્તારોમાં રહી સારી કામગીરી બજાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. અંજાર સચ્ચિદાનંદન મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે આ કાર્યને આર્શીવચન પાઠવતા અંજાર વિસ્તાર માટે સોનાનો સૂરજ ઉગ્યો હોવાનું જણાવી જી.કે. જનરલ હોસ્પિટલ જેવી હોસ્પિટલ બનવા જઇ રહી છે ત્યારે નાગરિકોને ઓછા ખર્ચે સારામાં સારી આરોગ્ય સુવિધા ઉપલબ્ધ થશે, તેમ જણાવી આરોગ્ય કર્મીઓને પ્રસંશનીય કામગીરી કરવા બદલ શુભકામના પાઠવી હતી.
કાર્યક્રમના પ્રારંભે સીડીએચઓ ડો. પંકજકુમાર પાંડેએ સ્વાગત પ્રવચનમાં આરોગ્ય સુવિધાઓને ગતિશીલ બનાવાઇ હોવાનું જણાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પ્રસૂતિ, સગર્ભાઓ માતાઓની સોનોગ્રાફી સહિત દરેક તાલુકામાં સબ-સેન્ટરો ઉપર અને દુર્ગમ વિસ્તારોમાં નર્સ બહેનો દ્વારા ડીલીવરી કરવાને પ્રોત્સાહન અપાઇ રહયું હોવાની સાથો-સાથ માતા-બાળ મૃત્યુદર અટકાવવાના પ્રયાસો સાથે સારા આરોગ્ય પગલાંઓની ખાતરી આપી હતી.
આ પ્રસંગે શ્રી આહિરના હસ્તે કચ્છમાં આરોગ્ય ક્ષેત્રે પ્રસંશનીય સેવા આપનારા ટીએચઓ, મેડીકલ ઓફિસર, આયુષ તબીબ આરબીએસકે, ફીમેલ હેલ્થ સુપરવાઇઝર, મલ્ટીપલ હેલ્થ સુપરવાઇઝર, ડિસ્ટ્રીકટ પ્રોગ્રામ આસીસ્ટન્ટ, શાળા આરોગ્ય મદદનીશ, ફાર્માસીસ્ટ, લેબોરેટરી ટેકનીશીયન, એમપીડબલ્યુ, સ્ટાફનર્સ અને ફીમેલ હેલ્થ વર્કર સહિતના ૧૯ જેટલા આરોગ્ય કર્મીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. શહેર વિકાસ સમિતિના મહેન્દ્રભાઇ કોટક તેમજ શ્રી વોરા દ્વારા રાજયમંત્રીનું સ્વાગત-સન્માન કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન અંજાર ભાજપના મહામંત્રી કાનજી શેઠે જયારે આભારદર્શન અંજાર તાલુકા હેલ્થ ઓફિસર રાજીવ અંજારિયાએ કર્યું હતું.
આ પ્રસગે અંજાર પાલિકા અધ્યક્ષા પુષ્પાબેન ટાંક, અંજાર તા.પં. અધ્યક્ષા રાંભઇબેન જરૂ, રસીકબા જાડેજા, મહિલા મોરચાના દિવ્યાબા જાડેજા, કચ્છ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ગોવિંદભાઈ કોઠારી, અનિલભાઈ પંડયા, પ્રકાશ કોડરાણી, શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ દાવડા, ડેનીભાઈ શાહ, ત્રિકમભાઈ આહિર, દેવજીભાઈ સોરઠીયા, કેશવજીભાઇ સોરઠીયા, નિલેશ ગોસ્વામી, મોહન મઢવી, શંભુભાઈ આહિર, આડાના પૂર્વાધ્યક્ષ ભરતભાઈ શાહ, ક્રિપાલસિંહ જાડેજા, વસંતભાઈ કોડરાણી, ટીએચઓ ડો. ગાલા, ડો. જાડેજા, રેફરલ હોસ્પિટલના અધિક્ષક તૃપ્તીબેન ધાનાણી, બાંધકામ એન્જિનિયર શ્રી જાડેજા વગેરે તેમજ શહેરના અગ્રણી નાગરિકો, નગરપાલિકાના સદસ્યો તેમજ આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.