અંજારમાં ર.૮૯ લાખની ચોરીના બનાવથી પોલીસની દોડધામ

પ્રભાસનગર-વિજયનગરમાં બે બંધ મકાનને તસ્કરોએ બનાવ્યા નિશાન : ગંધ પારખુ શ્વાનની મદદથી તપાસ આરંભાઈ

 

અંજાર : શહેરના પ્રભાસનગર અને વિજયનગરમાં બે બંધ મકાનોને નિશાન બનાવી તસ્કરો ર.૮૯ લાખની માલમતા ચોરી જઈ કાયદાના રક્ષકોને ખુલ્લો પડકાર ફેંકયો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પ્રભાસનગરમાં મકાન નંબર ૩પપ/બી અને વિજયનગરમાં મકાન નં. ૯૯ માં ચોરીનો બનાવ બનવા પામ્યો હતો. નિલેષ રમેશ સોરઠીયાના બંધ મકાનના બેડરૂમના કબાટમાંથી તસ્કરો મંગલસુત્ર, કાનની બુટી,હાર સહિત ૯૩.૭પ૦ ના સોનાના દાગીના તથા પ૦ હજાર રોકડા ચોરી ગયા હતા. જયારે વિજયનગર હિતેશભાઈના બંધ મકાનમાંથી મંગલસુત્ર, હારનો સેટ, પેન્ડન્ટનો સેટ, કાનનો સેટ તથા ૧૦ હજાર રોકડ મળી બન્ને મકાનોમાંથી રૂા. ર.૮૯ લાખની માલમતા ચોરી જતા અંજાર પોલીસે નિલેશ સોરઠીયાની ફરિયાદ પરથી પી.એસ.આઈ. બી.ડી. જીલડીયાએ ગંધપારખુ શ્વાન, એફ.એસ.એલ. ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતોની મદદથી તપાસ હાથ ધરી હતી. રાત વચ્ચે બે-બે મકાનોમાંથી લાખોની ચોરીના બનાવથી કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. ચોરીના બનાવો અટકાવવા દિવસ-રાતની સધન પેટ્રોલિંગ ગોઠવવા રહેવાસીઓએ માંગ કરી હતી.