અંજારમાં યુવાનનો અકળ આપઘાત

અંજાર : શહેરના નવા અંજારમાં રહેતા યુવકે ફાંસો ખાઈ ફાની દુનિયાને અલવિદા કહી દેતા પરિવારજનોમાં શોકનું મોજુ છવાઈ જવા પામ્યું હતું.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર જલારામ સોસાયટી મકાન નંબર ૧ર/બી ગાયત્રી મંદિર રોડ નવા અંજાર રહેતા વિનોદભાઈ જેન્તીલાલ જોષી (ઉ.વ.૪૪)એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. હતભાગીના પત્ની શિલ્પાબેન જોષીએ મૃતદેહને અંજાર રેફરલમાં લાવતા બનાવ પ્રકાશમાં આવ્યો હતો. અંજાર પોલીસે સીઆરપીસી કલમ ૧૭૪ હેઠળ અકસ્માત મોતનો બનાવ દર્જ કરી તપાસ હાથ ધરી ધરેલાનું પીએસઓ અશોકસિંહ સોલંકીએ જણાવ્યું હતું. આ બાબતે તપાસનીશ સહાયક ફોજદાર ઈશ્વરસિંહ ચૌધરીનો સંપર્ક સાધતા મૃતક એટીએમમાં કામ કરતો હતો અને છેલ્લા પાંચેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતો હોઈ તેની દવા પણ ચાલુ હોવાનું પરિવારજનોની પુછતાછમાં ખુલવા પામ્યું હતું. મુળ ગાંધીધામ તાલુકાના કિડાણા ગામના વતની છે અને સાતમાં ધોરણમાં અભ્યાસ કરતો એક દિકરો હોઈ યુવકના આત્મઘાતી પગલાથી પરિવારજનોમાં શોકનું મોજુ છવાઈ ગયું હતું.