અંજારમાં માધવરાય ચોક નજીક બાઈક સવાર પર હુમલો કરાતા માહોલ તંગ

બાઈકથી નિકળેલા યુવાનને અહીંથી નિકળવું નહીં તેવું જણાવી માર મારી મોબાઈલ પડાવી લેવાયો : પોલીસ દ્વારા રાત્રી દરમ્યાન શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : મોડી રાત્રીના બનાવ અંગે અંજાર પોલીસ મથકે નોંધાઈ ફોજદારી

અંજાર : અહીંના માધવરાય ચોક પાસે સામાન્ય બાબતે યુવાન પર હુમલો કરાતા અંજાર શહેરમાં મામલો તંગ બન્યો હતો. બાઈક પર નિકળેલા યુવાનને અટકાવીને અહીંથી તમારે નિકળવું નહીં તેવું કહીને લોખંડના પાઈપ અને લાકડી વડે માર મારીને બળજબરી પૂર્વક મોબાઈલ પડાવી લેવાતા મામલો તંગ બન્યો હતો. ઘટનાને પગલે પોલીસ દ્વારા અંજાર શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. તો મોડી રાત્રે વિધિવત ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ અંજારમાં થયેલી મારામારીના બનાવ અંગે અનીશભાઈ નજીરભાઈ જીએજાએ આરોપી કૃણાલ જોશી, જયેશ જોશી અને બન્નેના પિતા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવાન પોતાના કબજાની બાઈકથી નિકળતો હતો, તે દરમ્યાન આરોપીઓએ બાઈક ઉભી રખાવીને અહીંથી કેમ નિકળો છો. તમારે અહીંયાથી નિકળવું નહીં તેવું કહીને ફરિયાદીને માથામાં અને છાતીમાં લાતો વડે માર મારવામાં આવ્યો હતો, તેમજ લાકડી અને લોખંડના પાઈપ વડે મુઢ માર મારી તેની પાસેથી ૧૦ હજારની કિંમતનો મોબાઈલ બળજબરી પૂર્વક પડાવી લેવાયો હતો. બનાવને પગલે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે ધસી ગઈ હતી. સામાન્ય બાબતે થયેલા હુમલાની ઘટના બાદ કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે પોલીસ દ્વારા અંજાર શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજે સવારથી પણ શહેરના વિવિધ પોઈન્ટ પર બંદોબસ્ત ગોઠવાયેલો જોવા મળ્યો હતો. જો કે, શહેરમાં શાંતિ ભર્યો માહોલ જોવા મળ્યો હતો. ગત રાત્રે બનેલી મારામારીની ઘટનામાં મોડી રાત્રે સવા ત્રણ વાગ્યાના અરસામાં પોલીસે વિધિવત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.