અંજારમાં પાગલ પ્રેમી : પરીણિતાના ઘરે પ્રેમપત્રની ચીઠ્ઠીઓ ફેંકતો

મોબાઈલમાં મેસેજ કરી અવાર-નવાર ચેનચાડા કરી માનસિક ત્રાસ આપતા વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ

ભુજ : અંજાર પોલીસ સ્ટેશનમાં માનસિક ત્રાસની વિચિત્ર ફરિયાદ નોંધાઈ છે. એક શખ્સ દ્વારા પરીણિતાને ફોનમાં મેસેજ કરી ઘરના દરવાજા પાસે પ્રેમપત્રની ચીઠ્ઠીઓ ફેંકવામાં આવતી હતી. વ્યક્તિના ત્રાસથી કંટાળીને મહિલાએ અંજાર પોલીસમાં આરોપી સામે ગુનો દાખલ કરાવ્યો છે.પરીણિતાની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું કે, ચાંદ્રોડા ગામમાં રહેતો શંકર મેઘા આહિર નામનો આરોપી પોતાના મોબાઈલ મારફતે અલગ અલગ નંબરથી ઓળખ છુપાવી મહિલાને ફોન કરી જેમ-તેમ બોલી પ્રેમ કરવાનું કહેતો હતો. તેમજ મહિલા ઘરની બહાર નીકળે ત્યારે અવાર-નવાર ચેનચાડા કરી છેડતી કરતો હતો તથા આરોપી પોતાના હાથથી લખેલી પ્રેમપત્રની ચીઠ્ઠીઓ મહિલાના ઘરના દરવાજા પાસે નાખી માનસિક ત્રાસ આપતો હતો. છેલ્લા દોઢ વર્ષથી આ પ્રકારે કનડગત કરવામાં આવતી હતી. જે અંગે અંજાર પોલીસમાં ગુનો નોંધાતા પીઆઈ એમ.એમ.જાડેજાએ તપાસ હાથ ધરી છે.