અંજારમાં ધાણીપાસા વડે કિસ્મત અજમાવતા ૯ શખ્સો ઝડપાયા

હેમલાઈ ફળિયામાં જાહેરમાં રમાતી જુગાર પર સ્થાનિક પોલીસે દરોડો પાડી પ૦ હજારની રોકડ સહિત ૭૬ હજારનો મુદ્દામાલ કર્યો કબ્જે

અંજાર : શહેરના હેમલાઈ ફળિયામાં આવેલી ગલીમાં જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમી કિસ્મત અજમાવતા ૯ શખ્સોને અંજાર પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે ર શખ્સો પોલીસની રેડ દરમ્યાન નાસી છૂટ્યા હતા. પોલીસે ઝડપાયેલા આરોપીઓના કબ્જામાંથી પ૦,૩૦૦ની રોકડ તેમજ ર૬ હજારની કિંમતના ૭ મોબાઈલ ફોન મળીને કુલ રૂા.૭૬,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ બોર્ડર રેન્જના આઈજીપી જે.આર. મોથલિયા તેમજ પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલની સૂચનાથી અંજાર પોલીસનો સ્ટાફ દારૂ-જુગારની બદીઓને નેસ્ત નાબુદ કરવા પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન અંજાર પીઆઈ એમ.એન. રાણાને મળેલી ખાનગી બાતમીના આધારે શહેરના હેમલાઈ ફળિયાની ગલીમાં જાહેરમાં રમાતા ધાણીપાસાના જુગાર પર દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં આરોપી સુલેમાન ઓસમાણશા શેખ, ઈબ્રાહિમશા કાસમશા શેખ, કિશોર બાબુલાલ સોરઠિયા, પરેશ જયંતિલાલ શાહ, જુસબ હાસમ શેઠિયા, રણછોડ જખરાભાઈ કારાભાઈ છાંગા, દિનેશ વિશનચંદ આસવાણી, અરવિંદ મગનભાઈ નકુમ તેમજ શેખર આતુભાઈ મહેશ્વરીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ઈકબાલશા ઉર્ફે અપાલશા ઓસમાણશા શેખ અને હુશેનશા નૂરશા શેખ દરોડા દરમ્યાન નાસ છૂટ્યા હતા. ઝડપાયેલા આરોપીઓના કબ્જામાંથી પોલીસે પ૦,૩૦૦ની રોકડ રકમ સહિત ૭૬,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કાર્યવાહીમાં અંજાર પીઆઈ એમ.એન. રાણા સહિતનો પોલીસ સ્ટાફ જાેડાયો હતો.