અંજારમાં દારૂના ધંધાર્થીઓ ઉપર દરોડા : દેશી-વિદેશી શરાબ સાથે ત્રણ ઝડપાયા

અંજાર : શહેરમાં રહેતા અને દારૂની બદીઓ સાથે સંકળાયેલા તત્વો ઉપર પોલીસે છાપો મારી દેશી-વિદેશી શરાબ સાથે ત્રણને ઝડપી લીધા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અંજાર પીઆઈ બી.આર. પરમારના માર્ગદર્શન હેઠળ મહેશભાઈ દેસાઈએ ખાનાય શેરીમાં રહેતા મોહસીન ઉર્ફે મોમાયો મામદ જાગોરાના મકાનમાં છાપો માર્યો હતો. તેના મકાનમાંથી ૮ લિટર દેશી દારૂ પકડી પાડ્યો હતો. રેઈડ દરમ્યાન આરોપી નાસી જતા તેના સામે ગુન્હો નોંધ્યો હતો. બીજી તરફ હેડ કોન્સ હરેન્દ્રસિંહ જાડેજાએ યોગેશ્વરનગરમાં રહેતા વિપુલગર જીતુગર (ઉ.વ.૧૯)ને ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ર કિં.રૂા.૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે હેડ કોન્સ રાજેન્દ્રસિંહ ઝાલાએ પરેશ સામજી ઉદવાણી (ઠક્કર) (ઉ.વ.૪પ) (રહે. અંજાર)ને બે બોટલ શરાબ કિં.રૂા. ૬૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી સલાખો પાછળ ધકેલી દીધો હતો.