અંજારમાં તસ્કરોનો તરખાટ : અડધો  ડઝન દુકાનોના તાળા તૂટ્યા

વહેલી પરોઢના રેલ્વે સ્ટેશન સામેની ઘટના : કોઈ મોટી માલમતા નહી ચોરાતા વેપારીઓએ ફરિયાદ કરવાનું ટાળ્યું

 

અંજાર : શહેરના રેલ્વે સ્ટેશન સામે આવેલ દુકાનોના તાળા તોડી તસ્કરોએ હાથ ફેરો કર્યો હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.  આ અંગે જાણવા મળતી વિગતો મુજબ અંજાર રેલ્વે સ્ટેશન સામે આવેલ દુકાનોમાં તસ્કરો ત્રાટકયા હતા. વહેલી પરોઢના એક સાથે છ દુકાનોના તાળા તોડી પરચુરણ તથા દુકાનમાં રહેલ સરસામાન તફડાવી ગયા હતા. નિત્યક્રમ મુજબ દુકાને આવતા વેપારીઓ સવારે પોતાની દુકાને આવેલ ત્યારે પોતાની દુકાનોમાં ચોરી થયેલાનું જણાયું હતું. દુકાનદારોએ ચોરીના બનાવની જાણ કરતા પોલીસ ટુકડી પણ ધસી આવી હતી.
તો કોઈ મોટી માલમતાની ચોરી નહી થતા વેપારીઓએ ચોરીની ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું. આ બાબતે અંજાર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધતા આવી કોઈ ચોરીની ફરિયાદ સતાવાર નોંધાઈ ન હોવાનું જણાવ્યું હતું. છ-છ દુકાનોના તાળા તોડી તસ્કરો હાથ ફેરો કરી જવાના બનાવથી વેપારીઓમાં ફફડાટ મચી જવા પામી હતી અને આવા લેભાગુ તત્વોને ઝડપી પાડવા પોલીસ દ્વારા રાત-દિવસની સઘન પોલીસ પેટ્રોલિંગ ગોઠવે તેવી વેપારીઓ તથા શહેરીજનોમાં માંગ ઉઠવા પામી હતી.