અંજારમાં જીપમાં પેસેન્જર બેસાડવા મુદ્દે મારામારી : રાયોટીંગ સહિતની કલમો તળે ગુન્હો નોંધાયો

અંજાર જીમખાના પાસે અવારનવાર બનતા બનાવો લોહિયાળ બને તે પૂર્વે પોલીસની સતર્કતા જરૂરી

 

અંજાર : અંજાર શહેરમાં જીપમાં પેસેન્જર ભરવા બાબતે પેસેન્જર જીપ ચાલકો વચ્ચે અવારનવાર ડખ્ખા સર્જાવાની સાથે મારામારીના બનાવો બનતા રહ્યા છે ત્યારે ગઈકાલે આવી જ એક બોલાચાલીમાં સર્જાયેલ ડખ્ખામાં ઘાતક હથિયારો અને લાકડીઓ વડે મારામારી થતા ફરિયાદીને ફેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી.
અંજાર પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ફરિયાદી વસીમભાઈ ઓસમાન બાયડ (રહે. દેવરીયા નાકા, બાયડ ફરિયાવાળા)એ જણાવ્યા અનુસાર ગઈકાલ તા.૧૦-૧-૧૮ના ૧રઃ૦૦ વાગ્યાના અરસામાં અંજાર જીમખાના નજીક પોતાની જીપમાં પેસેન્જર બેસાડી રહ્યા હતા ત્યારે આરોપી ઈસ્માઈલશા ઓસમાનશા તથા હાજી ઓસમાજન શેખ, આમદશા ઓસમાનશા શેખ તથા તેમની સાથે અન્ય પાંચ ઈસમોએ ગે.કા. મંડળી રચી ઘાતક હથિયારો તથા લાકડીઓ ધારણ કરી ફરિયાદી પર હુમલો કરી ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચાડતા અંજાર પોલીસ દફતરે ફરિયાદના આધારે આરોપીઓ સામે રાયોટીંગ સહિતની કલમો તળે ગુન્હો નોંધી આગળની તપાસ પીએસઆઈ સી.ડી. પટેલે હાથ ધર્યાનું જાણવા મળ્યું હતું.