અંજારમાંથી મુન્નાભાઈ એમબીબીએસની કરાઈ ધરપકડ

અંજાર : અહીંથી વરસામેડી તરફ જતા માર્ગ પર એક કોમ્પલેક્ષમાં નામ વગરનું દવાખાનુ ચલાવતા બોગસ તબીબને અંજાર પોલીસે ઝડપી પાડ્યો હતો. તબીબી પ્રમાણપત્રો વિના મેડિકલ પ્રેક્ટિસ ચલાવતા પ્રૌઢને પોલીસે ૧૦ હજારની દવાઓ અને ગ્લુકોઝના બોટલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ અંજારના પીઆઈ એમ.એન. રાણાના માર્ગદર્શન તળે પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન પીઆઈ શ્રી રાણાને બાતમી મળી હતી કે અંજારથી વરસામેડી જતા રોડ પર વેલસ્પન કંપનીથી આગળ દરગાહ સામે આવેલ અરિહંત કોમ્પલેક્ષના શોપ નં.૧૭ અને ૧૮માં નામ વગરનું દવાખાનુ ચલાવવામાં આવે છે, જે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક મેડિકલ ઓફિસર ડૉ. રાજુ અંજારિયાને બોલાવીને પંચોની રૂબરૂમાં બાતમી મુજબની જગ્યા પર રેડ કરી હતી, જેમાં ડિગ્રી વગરના મુન્નાભાઈ એમબીબીએસની ધરપકડ કરાઈ હતી. પોલીસે પ૩ વર્ષિય સુકુમાર મનોરંજન સરકારની અટકાયત કરી હતી. આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો અને હાલ વરસામેડી સીમમાં આવેલ અરિહંતનગરમાં રહેતો હતો. કોઈપણ પ્રકારના તબીબી પ્રમાણપત્રો વિના પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા પોલીસે કાર્યવાહી કરી હતી. દરોડા દરમ્યાન ૧૦,૧૬પની દવાઓ અને ગ્લુકોઝના બાટલા સહિતના સાધનો પોલીસે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.