અંજારનું તુણા ગામ બિમારીના ભરડામાં

મચ્છરોના ઉપદ્રવથી મહામારીની સ્થીતિનું નિર્માણ : ઘેર ઘેર જાવા મળ્યા તાવના દર્દીઓ : ત્રણ ગ્રામવાસીઓ થયા સ્વાઈન ફલુનો શિકાર : પંંચાયતે ઉચ્ચકક્ષાએ કરી રજૂઆત

અંજાર : તાલુકાના તુણા ગામ મચ્છર સહિત જીવજંતુઓ વધતા ઉપદ્રવથી બિમારીના ભરડામાં સપડાયું છે. તુણા ગામમાંથી પસાર થતિ નદીમાં વરસાદી પાણીની સાથે ગટરના પાણીના કારણે સમસ્યા ઉભી થઈ છે. ગ્રામ પંચાયતના સરપંચ ભચીબેન શામજી આહીરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત આરોગ્યમંત્રી, સંસદીય સચિવ વાસણભાઈ આહીર, જિલ્લા સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા કલેકટર અને ડીડીઓ સમક્ષ સમસ્યા નિવારવા અરજ કરી છે.
સરપંચે પાઠવેલા પત્રમાં જણાવ્યું હતુ કે, ગામના રહેણાંક વિસ્તારોમાં ઠેર- ઠેર વરસાદી પાણીનો ભરાવો થયો છે. ઉપરાંત માનવ વસાહત વચ્ચેથી પસાર થતી નદીમાં ગટરના પાણી પણ વહે છે. ત્યારે મચ્છરો અને જીવજંતુઓની ઉત્પતિ વધી છે. ગીચ ઝાડીઓના કારણે પણ સમસ્યા વધુ ગંભીર બની છે. ગામના દરેક ઘરોમાં તાવના દર્દીઓ જાવા મળી રહ્યા છે. ગામના ત્રણ લોકોના સ્વાઈન ફલુ પોઝીટીવ રિપોર્ટ પણ આવ્યા છે. મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગોનો લોકો શિકાર બની રહ્યા છે. પરંતુ ગ્રામ પંચાયત પાસે ગ્રાન્ટનો અભાવ હોઈ સફાઈ અને અન્ય કામગીરી થઈ શકે તેમ નથી. ગ્રામજનોને મહામારીથી બચાવવા સત્વરે પ્રજાહિતમાં યોગ્ય પગલાં ભરવા માટે ભાર પૂર્વક માંગ કરી હતી.