અંજારની શાકમાર્કેટ કાલથી ટાઉનહોલના મેદાનમાં સ્થળાંતરીત

અંજાર : જિલ્લામાં કોરોનાના કેસો વધતા બે શહેરોમાં રાત્રી કર્ફ્યુ અમલી છે, ત્યારે અંજારમાં વકરતા સંક્રમણને ડામવા માટે તંત્ર દ્વારા નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં અંજારમાં કાર્યરત શાકમાર્કેટ આવતીકાલથી ટાઉનહોલના મેદાનમાં સ્થળાંતરીત કરવામાં આવશે. જે માટે ટાઉનહોલના મેદાનમાં પ્લોટ ફાળવણી કરવા પટા પણ દોરવામાં આવ્યા છે.
પ્રાંત અધિકારી વિમલ જોષીની સૂચના બાદ નગરપાલિકાએ આ નિર્ણય કર્યો છે. અગાઉ ગત વર્ષે પણ આ સ્થળે શાકમાર્કેટ શરૂ કરાઈ હતી. બાદમાં કેસો ઘટી જતાં ફરી જુના સ્થળે વેપારીઓ શાકભાજી વેચતા હતા. જો કે હવે સામાજિક અંતર જાળવવા માટે મેદાનમાં શાકમાર્કેટ ઉભી કરવામાં આવી છે. દરમિયાન અંજારમાં સુધરાઈ હસ્તકના બગીચા બંધ કરવાની તજવીજ પણ શરૂ કરાઈ છે.