અંજારની યુવતીના અપહરણનો ઉકેલાયો ભેદ : ૧૦ કરોડની ખંડણી માંગનાર ચાર શખ્સો રાઉન્ડઅપ

મકરસક્રાંતિના બીજા દિવસે યુવતીનું અપહરણ કરી ખંડણી માટેની કરાઈ હતી માંગણી : અંજાર પોલીસ બે મહિના બાદ આરોપીઓ સુધી પહોંચવામાં સફળ

(ક્રાઈમ પ્રતિનિધિ)અંજાર : મકરસક્રાંતિના બીજા દિવસે અંજારની યુવતીનું અપહરણ કરી ખંડણીની માંગણી કરવાના કેસનો ભેદ અંજાર પોલીસે ઉકેલી લીધો છે. ૧૦ કરોડની ખંડણી માંગનાર ચાર શખ્સોને અંજાર પોલીસે બે મહિના બાદ રાઉન્ડઅપ કરવામાં સફળતા મેળવી છે. જો કે, પોલીસ દ્વારા સાંજે વિગતવાર માહિતી જાહેર કરાશે.
પ્રાપ્ત વિગતો મુજબ અંજારમાં સવા બે મહિના પૂર્વે યુવતીના થયેલા અપહરણના મામલામાં પોલીસે ચાર આરોપીઓને રાઉન્ડઅપ કર્યા છે. અંજારની યુવતીનું અપહરણ કરી તેના પિતાને ફોન કરી રૂપિયા ૧૦ કરોડની ખંડણી માગવામાં આવી હતી. જે ગુના સંદર્ભે ગત ૧૬મી જાન્યુઆરી ર૦ર૧ના ફરિયાદી મલયાનીલ ઉર્ફે મેહુલ કનકશી ઉદવાણીએ અંજાર પોલીસ મથકે તેની પુત્રીનું અપહરણ કરી રૂા. ૧૦ કરોડની ખંડણી માંગ્યા સબબનો ગુનો રજીસ્ટર કરાવ્યો હતો. આ ગુનાનો અંતે અંજાર પોલીસે ભેદ ઉકેલીને ચાર આરોપીઓને દબોચી લીધા છે. સમગ્ર બનાવની વિગતે વાત કરીએ તો અંજારમાં જૂની કૉર્ટ પાછળ વિજયનગરમાં રહેતા અને કસ્ટમ ચોક પાસે લગ્ન સામગ્રી અને ફટાકડાની દુકાન ધરાવતા મલયાનીલ ઉર્ફ મેહુલ કનકશી ઉદવાણી (ઠક્કર) નામના વેપારીની ૨૦ વર્ષિય મોટી દીકરીનું અપહરણ ગત ૧પમી જાન્યુઆરીના થયું હતું. આ યુવતી આદિપુર તોલાણી કોલેજમાં બીએસસીના અંતિમ વર્ષમાં અભ્યાસ કરે છે અને કોમ્પ્યુટર ક્લાસીસમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરે છે. યુવતી નિત્યક્રમ મુજબ સાંજે છ વાગ્યે કોમ્પ્યુટર ક્લાસમાં ગયા બાદ, સાડા સાત વાગ્યા સુધી ઘરે પરત ફરી ન હતી. વાલિઓએ તેમના મોબાઈલે પર સંપર્ક કરતા સ્વીચઓફ આવ્યો હતો. બાદમાં કોમ્પ્યુટર ક્લાસમાં તપાસ કરતા તે દરરોજના સમય કરતા ૧૦ મિનિટ વહેલા નિકળી ગઈ હતી. પરંતુ ઘેર ન પહોચતાં પરિવારજનોને ચિંતા થઈ હતી. દરમિયાન અચાનક પિતાના મોબાઈલ પર રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર શખ્સે
રૂપિયા ૧૦ કરોડની ખંડણી માંગી હતી. જો પૈસા નહિ મળે તો તેમની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. કોઈ પિક્ચરની સ્ટોરી જેવો જ તાલ સર્જાયો હતો. યુવતિના પિતાએ રૂપિયા ક્યા અને કઈ રીતે પહોચાડવા તેવુ પૂછતા અપહરણકારોએ રાત્રે ૧૧ વાગ્યે ફરી ફોન કરવાનું જણાવ્યું હતું. બનાવ સંદર્ભે પિતાએ નિકટના સ્વજનો અને શુભેચ્છકોને જાણ કરતાં તમામે પોલીસની મદદ લેવા જણાવતાં રાત્રે યુવતીના પિતા અંજાર પોલીસ મથકે દોડી ગયાં હતા. અને પોલીસે ઘટનાની ગંભીરતાને જોતા તત્કાલીન પીઆઈ એમ.એમ.જાડેજાએ તુરંત ઉચ્ચ અધિકારીઓને ધ્યાન દોરતાં સમગ્ર પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું હતું.પશ્ચિમ કચ્છ પોલીસને પણ આ અંગે એલર્ટ રહેવા સૂચના આપી દેવાઈ હતી. પોલીસે હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સ સાથે છોકરીની ભાળ મેળવવાનું શરૂ કરી ભુજના હિલગાર્ડન નજીકથી યુવતિનો પત્તો લગાવ્યો હતો. યુવતી મળી ગયા બાદ તમામે રાહતનો શ્વાસ લીધો હતો.