અંજારના વીડી નજીક બીમારીના કારણે ટ્રક ચાલકનું મોત

મુંદરા પોર્ટમાં એચપીસીએલ કંપનીમાં કામદારનું મૃત્યુ

(ક્રાઈમ પ્રતિનિધિ)અંજાર : તાલુકાના વીડી નજીકની એક હોટલમાં ટ્રક ચાલકનું બીમારીના કારણે મોત નિપજયું હતું. તો મુંદરા પોર્ટમાં એચપીસીએલ કંપનીના ગેટ પાસે શ્રમજીવી આધેડને છાતીમાં દુઃખાવો ઉપડતા મોતને ભેટયો હતો.
અંજાર પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ મુળ રાજસ્થાનના અને સ્થાનીકે ટ્રાન્સપોર્ટ કંપનીમાં ટ્રક ચાલક તરીકે નોકરી કરતા બૈજનાથ રામનારાયણ જાટનું બીમારીના કારણે મોત નિપજયું હતું. બનાવને પગલે અંબીકા ટ્રાન્સપોર્ટ નગર પ્લોટ નં. ર ગાંધીધામમાં રહેતા સુરેન્દ્ર ઘનશ્યામભાઈ યાદવે અંજાર પોલીસને બનાવ અંગે જાણ કરી હતી. હતભાગી વીડી મુંદરા રોડ પર આવેલ વીજય બિહારી હોટલમાં પોતાની ગાડી સાથે હતો તે દરમ્યાન બીમારીના કારણે મોતને ભેટયો હતો. બનાવને પગલે અંજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી હતી. તો આ તરફ મુંદરા પોર્ટમાં એચપીસીએલ કંપનીના મેઈન ગેટ પાસે પાઈપલાઈનનું કામ કરતા શ્રમજીવી રઘુવીરસિંહ શ્રીરામનાથસિંહ સાકીયા (ઉ.વ.૪૬)નું છાતીમાં દુઃખાવો ઉપડતા મોત નિપજયું હતું. હતભાગીના પુત્ર મનીષ સાકીયાએ તેને તાત્કાલિક અદાણી હોસ્પિટલ મુંદરા ખાતે ખસેડયો હતો. જયાં તબીબે તેને મૃત જાહેર કરતા બનાવની જાણ મુંદરા પોલીસને કરાઈ હતી. મુંદરા પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરતા પીઆઈ એમ. બી. જાનીએ આગળની તપાસ હાથ ધરી છે.