અંજારના વરસામેડી પાસેની સુગર મિલમાં આગથી અંદાજે પ૦ લાખનું નુકસાન

ગાંધીધામ : અંજારના વરસામેડી પાસે આવેલી સુગર મિલમાં આગના બનાવથી ચકચાર મચી ગઈ હતી. અગમ્ય કારણોસર લાગેલી આગને કારણે અંજાર નગરપાલિકા સહિત આસપાસની ૭થી ૮ ફાયર ફાઈટરો ઘટના સ્થળે ધસી ગઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ વરસામેડી નજીક આવેલી યુનિ વર્લ્ડ સુગર મિલ અચાનક આગ ફાટી નિકળી હતી. અગમ્ય કારણોસર ભિષણ આગ ભભૂકી ઉઠતા વિકરાળ જવાળાઓ જોવા મળી હતી. તેમજ આગને પગલે કાળા ધૂમાડાઓના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગને પગલે અંજાર સુધરાઈ સહિત કંપનીઓની ૭થી ૮ ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો. મળતી વિગતો મુજબ ગોડાઉનમાં પડેલી પેકિંગની બોરીઓમાં ભિષણ આગ ભભૂકી હતી. કંપનીના ડાયરેકટરો સાથે આ મુદ્દે વાત કરતાં તેમણે કહ્યું હતુ કે, અંદાજે પ૦ લાખ જેટલું નુકસાન આગને પગલે થયું હોવાનું તેમણે ઉમેર્યું હતું. આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ જે રીતની ઘટના સામે આવી છે તે શંકા પ્રેરે તેવી છે.
ઉલ્લેખનીય છે કે, હાલ જ ગાંધીધામમાં મગફળીના ગોડાઉનમાં આગનો બનાવ સામે આવ્યો હતો. ત્યાં ફરી અંજારમાં આ બનાવને પગલે અનેક તર્કવિતર્કો વહેતા થયા છે.