અંજારના વરસાણા પુલ પાસે અકસ્માતે બિબ્બરના આશાસ્પદ યુવાનનું મોત

અંજાર : તાલુકાના વરસાણા પુલ પાસે ટ્રક અને ટ્રેઈલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં નખત્રાણા તાલુકાના બિબ્બર ગામના આશાસ્પદ યુવાનનું કરૂણ મોત નિપજ્યુ હતું. બનાવને પગલે હતભાગીના પરિવારજનોમાં શોક સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી.
અંજાર પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ વરસાણા પુલ પાસે ગોજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક નંબર જીજે 12 ડીએક્સ 9782એ ટ્રેઈલરને ટક્કર મારતા નખત્રાણાના બિબ્બરમાં રહેતા ભરતસિંહ દાનુભા જાડેજાનું મોત નિપજ્યું હતું. વહેલી પરોઢે સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું મોત નિપજતા પરિવારજનોમાં શોક સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી. મળતી વિગતો મુજબ હતભાગી યુવાનની પત્નિ ગર્ભવતી હતી. અને આવનારા થોડાક સમયમાં તેમને સંતાન પ્રાપ્તિ થવાની હતી. તે પૂર્વે જ ગોજારા અકસ્માતમાં પરિવારનો માળો પીંખાયો હતો. ઘટનાને પગલે અંજાર પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.