અંજારના મુરઘી ફાર્મમાં ઉતારાયેલા શરાબ સાથે બે શખ્સોની ધરપકડ

અંજાર : શહેરના વીડી તરફ જતા માર્ગ પર દાતાપીરની દરગાહની સામે આવેલ મુરઘી ફાર્મમાં દારૂ ઉતારી તેનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરાતું હતું. શરાબ ઉતારનાર શખ્સો જથ્થો સગેવગે કરે તે પૂર્વે અંજાર પોલીસે બાતમી હકીકતને આધારે દરોડો પાડીને બે શખ્સોને 81 હજારના શરાબ સાથે ઝડપી પાડ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ અંજાર પીઆઈ એમ.એન. રાણા સાથે પોલીસ સ્ટાફ દારૂ-જુગારની બદ્દીઓને નેસ્ત નાબૂદ કરવા માટે પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન પીઆઈ એમ.એન. રાણાને મળેલી બાતમી હકીકતને આધારે વીડી તરફ જતા માર્ગ પર અમીરઅલી નોડેના મુરઘી ફાર્મ પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ ફાર્મ પર અંજારના ફિરોજ મામદ રફીક નોડે અને ગાંધીધામમાં રહેતા મૂળ માળિયાના મોહન સામત ગઢવીએ ભાગીદારીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હતો. બન્ને શખ્સો શરાબનો જથ્થો સગેવગે કરવાની પેરવીમાં હતા, તે દરમિયાન અંજાર પોલીસની ટીમે ત્રાટકીને બન્ને શખ્સોની ધરપકડ કરી હતી. આરોપીઓના કબ્જામાંથી 81 હજારની 216 નંગ દારૂની બોટલ તેમજ મોબાઈલ મળીને 91 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.