અંજારના જુની દુધઈ પાસે ગમખ્વાર અકસ્માત : ભાણેજની નજર સમક્ષ મામાનું કરૂણ મોત

દુધઈ – ટપ્પર હાઈવે ઉપર રોડ ક્રોસ કરતી વેળાએ કારે બાઈકને ટક્કર મારતા સર્જાઈ કરૂણાંતિકા : ટપ્પરના બાઈક ચાલકને ઘટના સ્થળે મોત આંબી જતા પરિવારજનોમાં અરેરાટી

 

અંજાર : તાલુકાના જુની દુધઈથી ટપ્પર જતા હાઈવે પર આજે સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આઈ-ટવેન્ટી કારે બાઈકને ટક્કર મારતા બાઈક ચાલક યુવાનનું ઘટના સ્થળે કમકમાટીમર્યું મોત થયું હતું જ્યારે તેના ભાણેજને ગંભીર પ્રકારની ઈજાઓ થવા પામી હતી. અકસ્માતમાં યુવાનના મોતથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
દુધઈ પોલીસ મથકના સહાયક ફોજદાર રાણાભાઈ ડાંગરે ઘટના સ્થળેથી વિગતો આપતા જણાવેલ કે, અકસ્માતનો બનાવ સવારે ૧૦.૧પના અરસામાં બનવા પામ્યો હતો. અંજાર તાલુકાના ટપ્પર ગામે ગોપાલનગરમાં રહેતા વીરાભાઈ લગધીરભાઈ કોલી (ઉ.વ.૪૦) તથા હીરાપર ગામે રહેતા તેના ભાણેજ મનસુખ મોહન કોલી (ઉ.વ.૧૯) બન્ને જણા મોટર સાયકલ નંબર જીજે૧રબીકયુ ૦૩૯ર પર દુધઈથી ટપ્પર તરફ જઈ રહ્યા હતા ત્યારે જુની દુધઈ પાસે હાઈવે ક્રોષ કરતી વેળાએ ભુજથી ભચાઉ તરફ આવતી આઈ-ટવેન્ટી કાર નંબર જીજે૧રડીએ પ૯પ૪ના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતા બન્ને યુવાનો બાઈક સાથે રો પર ફંગોળાઈ ગયા હતા અને તેમાં વીરાભાઈને ગંભીર પ્રકારની ઈજાઓ થતા તેના ભાણેજ મનસુખની નજર સમક્ષ દમ તોડી દીધો હતો. જ્યારે મનસુખને ઈજાઓ થતા તાકીદની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતા જ તેઓ બનાવ સ્થળે ધસી આવ્યા હતા અને મૃતક વીરાભાઈની લાશનું પંચનામું કરી પીએમ માટે હોસ્પિટલ મોકલી આપવા કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે કાર ચાલક સામે ગુનો નોંધવા કાર્યવાહી કરવામાં આવી હતી. ભાણેજની નજર સમક્ષ મામાના મોતથી પરિવારજનોમાં અરેરાટી સાથે શોકનું મોજું છવાઈ જવા પામ્યું હતું.