અંગીયા ટોલબુથ પર દાદાગીરીપૂર્વક ટ્રક ચાલકને મરાયો માર

રીટર્ન ભરેલા ટોલટેક્ષની પરચી નહીં ચલાવીને દાદાગીરી કરાયાનો આરોપઃ ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને ભુજની જી.કે. હોસ્પિટલમાં ખસેડાયો

નખત્રાણા : તાલુકાના અંગીયા નજીક આવેલા ટોલબુથ પર ટ્રક ચાલક સાથે દાદાગીરી કરી માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. નાગીયારીના ટ્રક ચાલકને ટોલ બુથમાં નોકરી કરતા બે શખ્સો ઉપરાંતના સ્ટાફે લોખંડના પાઈપ અને ધકબુશટનો માર મારતા ટ્રક ચાલકને ભુજની જી.કે. હોસ્પિટલમાં ખસેડાયો છે.પ્રાપ્ત વિગતો મુજબ નાગીયારીમાં રહેતા ઈમરાન લતીફ બાફણને બનાવમાં ઈજાઓ પહોંચી હતી. જી.કે. હોસ્પિટલની પોલીસ ચોકીએ ઈજાગ્રસ્તે આપેલી કેફિયત મુજબ તે પોતાની જી.જે.૧ર.એ.ટી. પપ૬ર નંબરની ટ્રક લઈને જતા હતા, ત્યારે અંગીયા ટોલનાકા પાસે ટોલ ટેકસની પરચી બતાવતા ફરજ પરના સ્ટાફે આ પરચી નહીં ચાલે તેવું જણાવાયું હતું અને તું ઓફીસમાં જઈને ટોલ ફી ભરી આવ ત્યાર બાદ જવા મળશે, ત્યારે ટ્રક ચાલકે ઓફીસમાં જતા ત્યાં પણ એવું જણાવાયું હતું કે, આ પરચી નહીં ચાલે અને બોલાચાલી કરીને ફરજ પરના જવાબદારો ટ્રક ચાલકને મારવા માટે દોડયા હતા, ત્યારે ટ્રક ચાલક ગાડી લઈને ભાગી છુટયો હતો. દરમ્યાન નખત્રાણા બસ સ્ટેશન નજીક પહોંચતા ખાખી કપડા ધારીઓએ તેમને અટકાવ્યો હતો અને કહ્યું હતું કે, તારી ગાડી ટોલનાકા પર લઈ જવી પડશે. અને ખાખીધારીએ એક જણ ગાડીમાં બેઠો હતો અને ગાડી પરત ટોલનાકા પર લાવવામાં આવી હતી, ત્યારે અજીતસિંહ અને ભાણુભાએ ટ્રક ચાલકને પકડી રાખ્યો હતો અને અન્ય સ્ટાફે તેણે પાઈપ અને ધકબુશટનો માર માર્યો હોવાનું આક્ષેપ કરાયો હતો. ઈજાગ્રસ્ત હાલ જી.કે. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને એમએલસીના આધારે નખત્રાણા પોલીસ દ્વારા તપાસ આદરાઈ છે.